ઉપાય સાધુસંગ અને પ્રાર્થના

ઠાકુર કહે છે: ઈશ્વર અને તેનું ઐશ્વર્ય! આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય.

પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ-ભુલામણીમાં પડી જાય; જેનું આ ઐશ્વર્ય છે તેને શોધે નહિ. કામિનીકાંચન ભોગવવા સૌ કોઈ દોડે; પરંતુ તેમાં દુઃખ, અશાંતિ જ વધુ.

સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક કાઢો તો બીજો ભરાય. ભુલભુલામણીમાં એકવાર પેઠા એટલે પછી નીકળવું કઠણ. સંસારમાં માણસ જાણે કે બળી જળી જાય.

એક ભક્ત: ત્યારે હવે ઉપાય?

શ્રીરામકૃષ્ણ: ઉપાય સાધુસંગ અને પ્રાર્થના.

વૈદ્યની પાસે ગયા વિના રોગ મટે નહિ. સાધુસંગ એક દિવસ કર્યે વળે નહિ. હંમેશાં તેની જરૂર કારણ કે રોગ તો લાગેલો જ છે. તેમજ વૈદ્યની પાસે રહ્યા વિના નાડીજ્ઞાન થાય નહિ, તેથી સાથે સાથે ફરવું જોઈએ. ત્યારે કઈ કફની નાડી, કઈ પિત્તની નાડી એ બધું સમજાય.

સાધુસંગનો શો ફાયદો થાય?

ભક્ત: સાધુસંગનો શો ફાયદો થાય?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરમાં અનુરાગ થાય, તેની ઉપર પ્રેમ આવે. ઈશ્વર માટે આતુરતા આવ્યા વિના કાંઈ ન વળે. સાધુસંગ કરતાં કરતાં ઈશ્વરને માટે પ્રાણ આકુળવ્યાકુળ થાય.

જેમ કે ઘરમાં કોઈ બીમાર હોય તો મન હંમેશાં વ્યગ્ર રહ્યા કરે, કે કેમ કર્યે એ સાજું થાય.

તેમ જો કોઈની નોકરી છૂટી ગઈ હોય, તો એ વ્યક્તિ જેમ આૅફિસે આૅફિસે ધક્કા ખાધા કરે, તેવી આતુરતા ઈશ્વરને માટે આવવી જોઈએ. જો કોઈ આૅફિસેથી જવાબ મળે કે જગા ખાલી નથી, તોય પાછો બીજે દિવસે આવીને પૂછે કે ‘આજે એકેય જગા ખાલી પડી છે?’

બીજો એક ઉપાય છેઃ આતુર થઈને ઈશ્વરની પ્રાર્થના. ઈશ્વર તો આપણો પોતાનો, તેને પ્રાર્થના કરવી જોઈએ કે તમે કેવા છો? દર્શન આપો, દર્શન દેવાં જ પડશે, તમે મને ઉત્પન્ન શા માટે કર્યો?

શીખ સિપાઈઓએ કહેલું કે ઈશ્વર દયાળુ છે.

મેં તેમને કહ્યું કે, ‘એને દયાળુ કહેવો શા માટે? તેણે આપણને પેદા કર્યા છે, તેથી જેનાથી આપણું ભલું થાય એવું જો એ કરે, તો એમાં શી નવાઈ? માબાપ છોકરાંનું પાલન કરે, તેમાં વળી દયા શેની? એ તો એણે કરવું જ પડે.’

એટલે ઈશ્વરની પાસે હઠપૂર્વક પ્રાર્થના કરવી જાેઈએ. ઈશ્વર તો આપણી મા, આપણો બાપ. છોકરો જો અન્ન ખાવાનો ત્યાગ કરે તો બાપ-મા ત્રણ વરસ અગાઉથી જ તેનો ભાગ કાઢી આપે. વળી જ્યારે છોકરું પૈસો માગે, અને વારેવારે કહ્યા કરે, ‘બા બે પૈસા આપ ને,’ તો પછી મા તેની હઠ જોઈને કંટાળીને પૈસા ફેંકી દે.

સાધુસંગથી બીજો એક લાભ થાય. સત્-અસત્‌નો વિચાર આવે. સત્ એટલે નિત્ય પદાર્થ, એટલે કે ઈશ્વર; અસત્ એટલે કે અનિત્ય. અસત્ માર્ગે મન જાય તેની સાથે જ વિચાર કરવાનો. હાથી બીજાની કેળનું થડિયું ખાવા સારુ સૂંઢ લાંબી કરે કે તરત મહાવત અંકુશ મારે.

પાપની ઇચ્છા શા માટે થતી હશે?

પાડોશી: મહાશય, પાપની ઇચ્છા શા માટે થતી હશે?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરના આ જગતમાં બધા પ્રકારના માણસો છે. સત્પુરુષોને પણ તેમણે કર્યા છે, દુષ્ટ લોકોનેય તેમણે કર્યા છે. સદ્બુદ્ધિ ભગવાન જ આપે છે, અસદ્બુદ્ધિ પણ એ જ આપે છે.

પાડોશી: તો તો પછી પાપ કરીએ તો આપણી કશી જવાબદારી નહિ!

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરનો નિયમ જ એવો છે કે પાપ કર્યે તેનું ફળ ભોગવવું પડે. મરચું ખાધે, તીખું લાગે! મથુરબાબુએ જુવાનીમાં કેટલા કુકર્મો કરેલા, એટલે મૃત્યુ વખતે અનેક પ્રકારનાં દરદો થયેલાં. નાની અવસ્થામાં એટલું બધું જણાય નહિ.

કાલીમંદિરે દેવતાઓને ધરાવવાનો ભોગ રાંધવા માટે કેટલાંક સુંદરી વૃક્ષનાં (એક પ્રકારનું બળતણનું લાકડું) લાકડાં આવે. તેમાંનાં ભીનાં લાકડાં પહેલાં તો સારી રીતે બળ્યે જાય, એ વખતે એમની અંદર પાણી છે એ ખબર ન પડે. પણ લાકડું બળતાં બળતાં છેડો આવે ત્યારે અંદરનું બધું પાણી નીકળવા માંડે ને ફચ ફચ કરીને ચૂલો ઓલવી નાંખે. એટલે કે ક્રોધ, લોભ એ બધાંથી સાવચેત રહેવું જોઈએ.

જુઓને, હનુમાને ક્રોધ કરીને લંકા બાળી દીધી, પણ પછી ખ્યાલ આવ્યો કે અશોકવનમાં સીતાજી રહ્યાં છે. ત્યારે પછી આકુળવ્યાકુળ થવા લાગ્યા કે પાછું સીતાને કાંઈ થાય તો?

જેઓ સંસારમાં રહ્યા છે તેમનીયે મુક્તિ થવાની?

પાડોશી: …જેઓ સંસારમાં રહ્યા છે તેમનીયે મુક્તિ થવાની?

શ્રીરામકૃષ્ણ: મુક્તિ સર્વ કોઈની થવાની, પણ ગુરુના ઉપદેશ પ્રમાણે વર્તવું જોઈએ. આડે રસ્તેથી ગયે પાછા ફરી આવતાં મુશ્કેલી પડે, મુક્તિ ઘણી જ મોડી થાય. કાં તો આ જન્મમાં થાય જ નહિ અથવા કેટલાય જન્મો પછી થાય.

જનક વગેરેએ સંસારમાં રહીનેય સાધના કરી હતી. ઈશ્વરને માથા પર રાખીને કામ કરતા; નાચવાવાળી જેમ માથા પર વાસણ રાખીને નાચે તેમ. અને પશ્ચિમ (ભારતની)ની સ્ત્રીઓને તમે જોઈ નથી? માથા પર પાણીનું આખું બેડું હોય અને હસતી હસતી વાતો કરતી જતી હોય.

Total Views: 99
By Published On: June 17, 2022Categories: Master Mahashay0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram