શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઈ.સ. ૧૯૨૭ થી ૨૦૨૨ સુધી સતત ચાલતાં રહેલાં રાહતકાર્યાેની એક ઝલક

પ્રાગૈતિહાસિક કાળથી ઈશ્વરની જુદાં જુદાં રૂપે પૂજાભક્તિ થઈ છે. માનવ-સંસ્કૃતિનો ઈતિહાસ ઈશ્વરની વિવિધ રૂપછબીઓ-પથ્થરની મૂર્તિઓ, કાષ્ટ પ્રતિમાઓ અને માટીની મૂર્તિઓ વગેરેની ઉત્ક્રાંતિની એક સતત ચાલતી રહેલી પ્રક્રિયા આપણી સમક્ષ રજૂ કરે છે. ૧૯મી સદીમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવે એક મહત્ત્વનો પ્રશ્ન કર્યાે: ‘જો આપણે ઈશ્વરને આવી વિવિધ મૂર્તિઓ રૂપે ભજી શકીએ તો જીવતા માનવમાં એમની પૂજા કરવી એ શા માટે શક્ય બનવું ન જોઈએ? … મારી બંધ આંખે જ્યારે હું પ્રભુનો વિચાર કરું છું ત્યારે જ શું તે પોતાનું અસ્તિત્વ ધરાવે છે? અને જ્યારે હું મારી ખુલ્લી આંખે ચારેબાજુ દૃષ્ટિ કરું છું તો શું તેે વિલીન થઈ જાય છે?’ પછીથી શ્રીરામકૃષ્ણદેવે પોતાના આ પ્રશ્નોનો ઉકેલ પોતાના અદ્ભુત અને અનન્ય આદર્શ ‘શિવજ્ઞાને જીવસેવા’ દ્વારા આપણને આપ્યો. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ ના આદર્શ સાથે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને આ આદર્શને સાકાર બનાવ્યો.

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને એમના સાક્ષાત્ શિષ્યોએ આ અદ્ભુત આધ્યાત્મિક આદર્શને પોતપોતાના જીવનમાં જીવી બતાવ્યા. રામકૃષ્ણ મિશને જે જે રાહત અને પુનર્વસન સેવાપ્રવૃત્તિઓ હાથ ધરી છે, તે માટે આ સંકલ્પના એક આદર્શ અને અનુસરણ બની રહ્યું. સાથે ને સાથે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન પોતાના ૧૫૦થી પણ વધુ શાખાકેન્દ્રો દ્વારા માનવકલ્યાણની હાથ ધરાયેલી આરોગ્ય, શિક્ષણ, સામજિક-આર્થિક ઉત્થાન જેવી અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ પાછળ પણ ‘શિવજ્ઞાને જીવસેવા’ની આદર્શ ફિલસૂફી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગઈ સદીમાં એક વિનમ્રભાવના પ્રયાસ રૂપે રામકૃષ્ણ મિશન દ્વારા શરૂ થયેલી આ રાહત-સેવાઓનું ફલક ધીમે ધીમે છેલ્લા થોડા દાયકામાં વિવિધ દિશાઓમાં વિસ્તૃત રીતે વિસ્તર્યું છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પણ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે પ્રબોધેલા આ સેવામાર્ગના આદર્શને અનુસરીને ૧૯૨૭થી માંડીને આજ સુધી અનેકવિધ માનવરાહત સેવાપ્રવૃત્તિઓ કરી છે અને આવી પડેલી આપત્તિને લીધે આપણા દેશબાંધવોનાં આંસું લૂછવાનો વિનમ્ર પ્રયાસ કર્યાે છે. આ રાહતસેવાકાર્યાેની ઝલક અહીં વિનમ્રભાવે રજૂ કરીએ છીએ.

૧૯૨૭ 

(માર્ચ-૧૯૨૭ થી ફેબ્રુઆરી-૧૯૨૮)

૧૯૨૭માં ખંભાત, વડોદરા – અંગ્રેજશાસિત વિસ્તારમાં પૂરે વેરેલા વિનાશવાળા વિસ્તામાં અસરગ્રસ્ત લોકોને રામકૃષ્ણ મઠ, ખાર, મુંબઈ સાથે રહીને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સર્વપ્રથમ રાહતસેવા પહોંચાડીને, રાહતસેવાની શરૂઆત કરી. માર્ચ ૧૯૨૭થી ફેબ્રુઆરી ૧૯૨૮ સુધી ૬૦૦ ચોરસ માઈલ વિસ્તારના ૧૨૦ ગામડાંના લોકોને અનાજ, કપડાં, બિયારણ, દવાનું વિતરણ થયું હતું. સસ્તા અનાજની દુકાનો પણ ખોલવામાં આવી હતી. પૂરને કારણે ઘરવિહોણા બનેલા લોકો માટે તારાપોર, ઇંદરણાજ, સયામા, ગોલાના અને ખંભાતમાં એમ, પાંચ રાહત કેન્દ્રો દ્વારા વડોદરા વિસ્તારના ૨૭ ગામડાં, ખંભાતના ૮૦ ગામડાં અને અંગ્રેજ શાસિત વિસ્તારના ૧૩ ગામડાંના ૧૯૫૭ કુટુંબોને અનાજ, વસ્ત્ર વગેરે આપવામાં આવ્યાં હતાં.

૧૯૩૧

૧૯૩૧માં રૂ. ૧૨૦ રોકડા તેમજ બે ગાંસડી જૂના કપડાં, બે ગાંસડી ખાદીના નવાં કપડાં શ્રીરામકૃષ્ણ મિશનના વડા મથકને રાહતકાર્ય વિતરણ સેવાકાર્ય માટે મોકલવામાં આવ્યાં હતાં.

૧૯૩૩

૧૯૩૩માં બંગાળના જેસોર જિલ્લાના ગોપાલપુરમાં શ્રીરામકૃષ્ણ મિશનના વડાની સૂચના મુજબ આ સંસ્થાએ રાહતકાર્યો કર્યા હતા. તેમાં અસરગ્રસ્ત લોકોને ચોખા આપવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત લોકોનાં ઘર બાંધી આપવામાં સહાયતા કરી હતી.

શિયાળામાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના પત્ની શ્રીમતી ભદ્રાબાઈ ગોવિંદરાવ મડગાવકરની સાથે રહીને રાજકોટની આજુબાજુનાં ગામડાંમાં દવા તેમજ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૧૯૫૦

(જુલાઈ)

૧૯૫૦માં અતિવૃષ્ટિને લીધે જુલાઈ માસમાં લોધીકા તાલુકાના ૩૮ ગામડાંના પૂર પીડિતો માટે એક રાહતકેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. ૨૮ ગામડાંના ૧૩૪ કુટુંબો માટે આશ્રયસ્થાન પૂરાં પાડવા રૂ. ૪૨૨૨ની નાણાકીય સહાય આપવામાં આવી હતી. ૬૩૪ માણસોને ૨૦૫ નવી સાડીઓ અને ૧૨૨૦ વાર કાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાહતકાર્યના બીજા અંગરૂપે યુનિસેફ તરફથી મળેલ દૂધ બાળકોને આપવાનું આ વર્ષે શરૂ કરેલ. મહિના સુધી દૂધ મેળવનાર બાળકોની સંખ્યા ૧૪૮ની હતી.

૧૯૫૬

(જુલાઈ)

૨૧મી જુલાઈ ૧૯૫૬ના રોજ રાત્રે નવ વાગ્યે અંજાર અને આજુબાજુના વિસ્તારમાં આવેલા ધરતીકંપે વેરેલા વિનાશથી આસપાસના ગામડાંમાં અને અંજારમાં ઘણા મકાનો તૂટી ગયાં હતા, કેટલાય માણસો કાટમાળના ઢગલા હેઠે દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા. આ ધરતીકંપથી લોકો ગભરાઈ ગયા હતા. ઘણા લોકોને ઈજા થઈ હતી અને દટાયેલા કેટલાક લોકો કાટમાળમાંથી બચાવવા માટે પ્રાર્થના કરતા હતા. આ અણધારી આવી પડેલી આફતથી ગભરાયેલા લોકોના ભય-ગભરાટને વ્યવસ્થિત રીતે દૂર કરવા ઠીકઠીક સમય લાગ્યો હતો. કુદરતી પ્રકોપની ભયંકરતાના સમાચાર આસપાસના પ્રદેશોમાં પહોંચતા ત્યાંથી મદદ આવવા લાગી. પહેલી વ્યવસ્થિત રાહત ટુકડી ગાંધીધામમાંથી આવી. ત્યાર પછી ભૂજ અને બીજા દૂરના સ્થળોમાંથી મદદ આવવા માંડી. કાટમાળ નીચે દબાયેલા જાનમાલને બચાવવાનું કાર્ય રાતદિવસ સુધી ચાલતુ રહ્યું. વીજળી પૂરવઠો તેમજ તારટપાલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. કાટમાળના ગંજાવર ઢગ નીચે સ્વયંસેવકોએ પોતાનું કાર્ય ઘણી મુશ્કેલીઓ સાથે કરવાનું હતું. અંજાર શહેરના ૧/૩ ભાગમાં ભૂકંપની આંચકાની સખત અસર થતાં તેટલો વિસ્તાર નષ્ટપ્રાય બની ગયો. બાકીના ભાગમાં ઓછી અસર થતાં વિનાશમાંથી ઉગરી ગયો. રામકૃષ્ણ મઠ મિશનની પ્રસ્થાપિત પ્રણાલિ પ્રમાણે રામકૃષ્ણ મિશનની મુંબઈ અને રાજકોટ શાખાના કાર્યકરો સમાચાર મળતાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયા. આ રાહતકાર્યમાં મદદ કરવા મિશનના મુખ્યમથક બેલુર મઠથી પણ કાર્યકરો આવ્યા હતા. મિશને તાત્કાલિક રાહત સાથે કચ્છ સરકારે પૂરી પાડેલ સાધન સામગ્રીમાંથી અંજારમાં કામચલાઉ રહેઠાણો બાંધવાનું કામ શરૂ કરી દીધું. આ રીતે તૈયાર કરેલ એક ઓરડાવાળા રહેઠાણોમાં ૬૦ કુટુંબોનો સમાવેશ કરવામાં આવ્યો. આ રહેઠાણોનું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના વરદ્‌ હસ્તે ૧૮મી ઓગસ્ટ, ૧૯૫૬ના દિવસે થયું હતું. તાત્કાલીક રાહતરૂપે મિશને ૨૦ ગુણી અનાજ, ૧૪૬ ફાનસ, ૧૨૫ ડાલડા ઘીના ટીન, ૬૨૫ ગોટી સાબુ, ૧૫૦ સીવેલ કપડાં, ૨ ગાસડી પહેરણનું કપડું, ૫૦ રજાઈ અને વિટામીનની ટીકડીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. 

અંજારમાં કામ પૂરું થતા મિશનનું કાર્યક્ષેત્ર ગામડાંમાં ફેરવવામાં આવ્યું. વાહન વ્યવહારની મુશ્કેલીને લીધે જેના તરફ કોઈનું ધ્યાન ન ગયું હોય, એવાં અંજારથી ત્રીસેક માઈલ દૂર ભચાવ તાલુકાના બે ગામ ભૂજપર અને સુખપર, તેમજ અંજાર તાલુકાનું ધમડકા ગામના પુનર્વસનનું કાર્ય શરૂ થયું. જૂની ઢબે બંધાયેલ ગીચોગીચ વસેલા યોગ્ય પ્લાન, રસ્તા અને પ્રાથમિક સુવિધા વિનાના ગામડાંમાં ગામની શિકલ બદલાવે તેવા શાળા, ધાર્મિક સ્થાનો, પંચાયતગૃહ, રહેવાના મકાનો, વિશાળ રસ્તા પાણીના કૂવા, રેડિયો સેટ જેવી અદ્યતન સુવિધા સાથેનું પુનર્વસનકાર્ય હાથ ધરાયું. ૧૯૫૬ની પમી નવેમ્બરે મિશનના તત્કાલીન સંન્યાસી સ્વામી વૈકુંઠાનંદજીના હસ્તે શિલારોપણ વિધિ થયો. ગામમાં બે પ્રકારના મકાનો બાંધવામાં આવ્યાં હતા.

બે ઓરડાવાળું મકાન, બન્ને ઓરડાનું માપ ૧૨’ X ૧૨’, રસોડું ૮’ X ૫’, અને ૧૭’ X ૮’ની ઓસરી તેમજ ૩૦’ X ૨૫’ ખુલ્લું ફળીયું અને તેની આસપાસ ૬’ ફૂટ ઊંચી દિવાલ; એક ઓરડાવાળા રહેઠાણમાં ૧૨’ X ૧૨’નો ઓરડો, રસોડું ૮’ X ૫’, અને ૮’ X ૬’ની ઓસરી તેમજ ૩૦’ X ૧૨’ ખુલ્લું ફળીયું અને તેની આસપાસ ૬’ ફૂટ ઊંચી દિવાલ; બે ઓરડાવાળા ૧૫ મકાનો અને એક ઓરડાવાળા ૧૫ મકાનો એમ કુલ મળીને ૩૦ મકાનોની બે હાર વચ્ચે ૩૦ ફૂટ પહોળો મુખ્ય રસ્તો અને પાછળની બાજુએ ૨૦ ફૂટ પહોળો રસ્તો રાખવામાં આવેલ. શાળાનું મકાન ૨૭’ X ૨૩’, પંચાયતગૃહ ૨૫’ X ૨૦’ અને મંદિર ૩૦’ X ૨૫’ના વિસ્તારના બાંધી અપાયાં હતાં.

૧૯૫૬

(ડિસેમ્બર)

ગામની બન્ને બાજુએ બે કૂવા પણ બાંધી આપવામાં આવ્યા હતા. શાળા અને પંચાયતગૃહની સામે રમતગમત તેમજ જાહેરસભા ગોઠવી શકાય, તેવું ખુલ્લું મેદાન પણ રાખવામાં આવ્યું હતું. આ નવી વસાહતનો સમર્પણવિધિ સમારંભ ૨જી ફેબ્રુઆરી, ૧૯૫૭ના રોજ ભવાણજી અરજણ ખીમજીના પ્રમુખપદે યોજાયો હતો. આ પ્રસંગે સ્વામી બુદ્ધાનંદજીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. ભૂજપર અને ધમડકા વચ્ચે સારો રસ્તો ન હતો. આ બન્ને ગામને જોડતા એક માઈલના નવા રસ્તાનું ઉદ્ઘાટન પણ તે જ દિવસે યોજાયું હતું. શારદાનગર(સુખપર)ની નવરચનાનું કાર્ય ભૂજપરનું કાર્ય પૂરું થતાં ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ શિલારોપણ વિધિ કરીને શરૂ થયું.

૧૯૫૭

(એપ્રિલ)

૮૫ કુટુંબો માટે બે ઓરડાવાળા ૬૩ મકાનો અને એક ઓરડાવાળા ૨૨ મકાનો એમ ૮૫ મકાનો બાંધી આપવામાં આવ્યા હતા. રહેણાંકના મકાનો ઉપરાંત શાળાનું મકાન ૨૮’ X ૨૩’ પંચાયતગૃહ ૨૭’ X ૨૩’, મંદિર અને બે કૂવા બાંધી અપાયાં હતાં. આ નવા શારદાનગરનો ઉદ્ઘાટન વિધિ ૨૪ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ રાજ્યના મહેસુલ પ્રધાન રસિકલાલ યુ. પરીખના પ્રમુખસ્થાને યોજાયો હતો.

૧૯૫૮

(ફેબ્રુઆરી)

ભૂકંપમાં વિનાશ પામેલા ધમડકા-નવા વિવેકાનંદ નગરમાં બે ઓરડાવાળા ૬૭, એક ઓરડાવાળા ૪૦, એમ કુલ ૧૦૭ મકાનો બાંધી આપવામાં આવ્યા. આ ઉપરાંત શાળાનું મકાન, પંચાયતગૃહ, મંદિર, મસ્જિદ અને ચાર દુકાનો પણ બાંધી આપવામાં આવી હતી. શાળા અને પંચાયતગૃહ પાસે રમતગમતનાં સાધનોથી સુસજ્જ બાળક્રિડાંગણ પણ બાંધી આપવામાં આવ્યું હતું. આ નવનિર્મિત વિવેકાનંદ નગરનો ઉદ્ઘાટનવિધિ મુંબઈ રાજ્યના તત્કાલીન રાજ્યપાલશ્રી શ્રીપ્રકાશના વરદ હસ્તે ૮ ફેબ્રુઆરી ૧૯૫૮ના રોજ યોજાયો હતો. રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ સ્વામી સંબુદ્ધાનંદજીએ રાજ્યપાલને આવકાર્યા હતા.

૧૯૫૯

(જુલાઈ)

૧૪મી જુલાઈ, ૧૯૫૯ના રોજ કચ્છ જ્યાં સરેરાશ ૧૨ થી ૧૫ ઇંચ વરસાદ પડે છે ત્યાં કચ્છના અબડાસા તાલુકામાં ૮૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો. પરિણામે કચ્છના જુદા જુદા તાલુકાઓમાંથી ભૂજ, અબડાસા અને માંડવી તાલુકાઓમાં ઘણી મોટી નુકસાની થઈ. ભૂજ શહેરમાં પૂરના અચાનક ધસારાને કારણે અમુક ભાગના ઘણાં ખરાં મકાનો જમીનદોસ્ત થઈ ગયાં અને જાનની ખુવારી પણ ઠીક ઠીક થઈ. આ આફતગ્રસ્ત વિસ્તારોમાં તત્કાલ રાહતકાર્ય શરૂ કરવા માટે રામકૃષ્ણ મિશન, મુંબઈ અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટથી સેવકોએ કચ્છમાં જઈ સેવાનું કામ ઉપાડી લીધું. ભૂજ શહેરમાં રાહતકાર્યનું મુખ્યમથક સ્થાપવામાં આવ્યું અને ત્યાંથી ભૂજ શહેર ઉપરાંત ભૂજ, અંજાર, ભચાઉ, રાપર તાલુકાના વિસ્તૃત ક્ષેત્રમાં ઘણા લાંબા સમય સુધી સેવાકાર્ય ચાલુ રહ્યું. તત્કાલ રાહતરૂપે ભૂજ, અંજાર અને ભચાઉ તાલુકામાં રૂ૩૩૦૫, માંડવી અબડાસા અને ભૂજ શહેરમાં  રૂ ૫૪૬૭ અને રાપર તાલુકામાં રૂ ૩૫૯૯ની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અંજાર તાલુકાના ૧૯ ગામડાંનાં ૩૧૯ કુટુંબોના ૧૪૪૪૯ લોકો; ભચાઉ તાલુકાના ૫૩ ગામડાંનાં ૮૮૫ કુટુંબોનાં ૪૩૪૩ લોકો; ભૂજ તાલુકાના ૯૫ ગામડાંનાં ૧૧૭૩ કુટુંબોનાં ૬૩૮૩ લોકો; રાપર તાલુકાના ૮૭ ગામડાંનાં ૧૧૪૨૪ કુટુંબોના ૫૬૨૦ લોકો; ભૂજ શહેરના ૭૯૯ કુટુંબોના ૩૦૦૦ લોકો તેમજ અબડાસા અને માંડવી તાલુકાના લોકોમાં ૪૩૯૧ ધાબળાનું અને અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્ય પાછળ રૂા.૯૯,૬૧૮નો ખર્ચ થયો હતો.

આ ઉપરાંત અંજાર, ભચાઉ, ભૂજ, રાપર, માંડવી, અબડાસા તાલુકાના ૨૬૪ ગામડાંના ૪૩૦૦ કુટુંબનાં ૨૦૭૯૫ લોકોને તેમજ, ભૂજ શહેરના ૭૯૯ કુટુંબોના ૩૦૦૦ લોકોને અનાજ, કપડાં, જીવનજરૂરિયાતની વસ્તુઓનું વિતરણકાર્ય થયું હતું. આ વિતરણકાર્ય પાછળ રૂ ૧૨,૩૭૨નો ખર્ચ થયો હતો. રામકૃષ્ણ મિશન દ્વારા ભૂજ શહેરની બહાર શ્રીરામકૃષ્ણધામ નામની સિત્તેર પાકાં ટેનામેન્ટવાળા મકાનોની કોલોની બાંધી આપવામાં આવી હતી. 

આ પુનર્વસનકાર્ય હેઠળ રૂ ૧,૯૦,૦૦૦નો ખર્ચ થયો હતો. શ્રીરામકૃષ્ણધામનું ઉદ્ઘાટન ભારત સરકારના તત્કાલીન નાણામંત્રી શ્રીમોરારજી દેસાઈના અધ્યક્ષપણા હેઠળ યોજાયું હતું. આ કોલોનીનો સમર્પણવિધિ ૩૦મી ડિસેમ્બર, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યના ગવર્નર શ્રીનવાબ મેહદી નવાઝ જંગબહાદુરના વરદ્‌ હસ્તે થયો હતો. આ કોલોનીના લોકો માટે એક પ્રાર્થના હોલનું બાંધકામ પણ કરી આપવામાં આવ્યું હતું.

૧૯૬૦

(જુલાઈ)

૧૯૬૦ની ૨જી જુલાઈએ જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિને કારણે ઘોડાપૂર આવવાથી ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આશ્રમના સેવકોએ આ વિસ્તારોની જાતમુલાકાત લઈને રાજકોટના જેતપુર તાલુકામાં અને જૂનાગઢ તાલુકાના ૪ ગામડાંનાં નુકસાન પામેલા મકાનો ફરી બાંધી આપવાનો નિર્ણય લેવાયો અને રાજકોટ જિલ્લાના આરબટીંબડી, બાવા પિપળીયા, જૂનાગઢ જિલ્લાના મજેવડી, વાડાસિમડી ગામમાં જરૂરત પ્રમાણે મકાનો સમરાવવા ઉપરાંત આરબટીંબડીમાં ૨૮ નવા મકાનો, બાવા પીપળીયામાં ૧૩ નવા મકાનો, મજેવડી ગામમાં ૪૮ નવા મકાનો, વાડાસિમડીમાં ૧૦ એમ કુલ મળીને ૯૯ નવાં મકાનો, દરેક ગામમાં પાણીની ડંકી, જાહેર ભજન તેમજ સત્સંગ માટે એક મોટો ચોરો અને ખુલ્લી નાટકશાળા બાંધી આપવામાં આવી હતી. આ રાહત સેવાકાર્ય હેઠળ રૂા.૧,૭૩,૦૬૬નો ખર્ચ થયો હતો. આ મકાનોનું ઉદ્ઘાટન રાજકોટ ડિવિઝનના કમિશ્નર શ્રી ગુલાબરાય મંકોડીના વરદ્‌ હસ્તે ૨૫ મે, ૧૯૬૧ના રોજ થયું હતું.

Total Views: 89
By Published On: August 12, 2022Categories: Uncategorized0 Comments

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram